Tuesday, 11 August 2015

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાત દ્વારા "ગૌશાળા - પાંજરાપોળ સ્વાવલંબન કાર્યશાળા" નું ગાંધીનગર ખાતે આયોજન


v  ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા 16 ઓગસ્ટે કડી સર્વ વિદ્યાલય, સેક્ટર - 23, ગાંધીનગર મુકામે મહામહીમ રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીના વરદ્‌ હસ્તે ઉદ્‌ઘાટન
v  પાંજરાપોળ - ગૌશાળા મેનેજમેન્ટ, ગોપાલન, ગૌ આધારીત કૃષિ, બાયોગેસ, ઇલેક્ટ્રીસીટી, બાયોફર્ટીલાઇઝર અને ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા સ્વાવલંબન જેવા વિષયો પર દેશભરના તજજ્ઞો અને ગોવૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન

    ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના નેજા હેઠળ, શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા - પાંજરાપોળ સંઘ - ગાંધીનગર, સમસ્ત મહાજન - મુંબઇ અને ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક પોલીસી અને સ્ટ્રેટેજીસ - આણંદના સંયુક્ત ઉપક્રમે ગૌશાળા - પાંજરાપોળ વ્યવસ્થાપક મંડળો, ગોપાલકો, માલધારીઓ તેમજ ગૌસેવા, ગોપાલન, ગૌસંવર્ધન અને પંચગવ્ય ઉત્પાદન વગેરેમાં રસ ધરાવતા સૌ માટે એક દિવસીય વર્કશોપનું આયોજન આગામી ૧૬ ઓગસ્ટ, ૨૦૧૫ રવિવારના રોજ ગાંધીનગરના સેક્ટર - 23, સ્થિત કડી સર્વ વિદ્યાલયના કેમ્પસમાં નાથીબા કોમર્સ કોલેજ - "ખીમજી જેસંગ હોલ"માં કરવામાં આવ્યું છે.

         આ અંગે માહિતી આપતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના અધ્યક્ષ ડો. વલ્લ્ભભાઇ કથીરિયાએ જણાવ્યુ હતુ કે, શ્રેષ્ઠ ગૌપાલન દ્વારા વ્યક્તિ, કુટુંબ, ટ્રસ્ટ - ધર્માદા સંસ્થાઓ સંચાલિત ગૌશાળા - પાંજરાપોળો સ્વનિર્ભર બને, આવકનું સાધન વધે અને આર્થિક ઉન્નત્તિ સાધે તેવા ઉદ્દેશ્યથી ગૌસેવા અ‍ને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિવિધ વિષયોના તજજ્ઞોના વક્તવ્યોનું જુદા જુદા સત્રો સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

                આ સેમીનારનું ઉદ્‌ઘાટન ગુજરાત રાજ્યના વંદનીય રાજ્યપાલ મહામહીમ શ્રી ઓમ પ્રકાશ કોહલીજીના વરદ્‌ હસ્તે ૧૬ ઓગસ્ટના રોજ સવારે :30 કલાકે ગૌપૂજન અને દીપ પ્રાગટ્ય દ્વારા થશે. બાદમાં દેશભરમાંથી આમંત્રિત તજજ્ઞો દ્વારા ગૌશાળા - પાંજરાપોળમાં ટેક્નોલોજીનો ઉપયોગ, શ્રેષ્ઠ પારદર્શક વહીવટ, ગૌશાળાની સ્વચ્છતા, વિવિધ વિભાગો, ગૌસંવર્ધન, ગૌચર વિકાસ, એગ્રો ફોરેસ્ટ્રી, પંચગવ્ય ઉત્પાદન, બાયો પેસ્ટીસાઇડ્સ અને બાયોફર્ટીલાઇઝર, બાયોગેસ, ઇલેક્ટ્રીસીટી વગેરે વિષયો પર પોતાના વક્તવ્યો રજુ કરશે અને ગૌશાળા - પાંજરાપોળોના પ્રાણપ્રશ્નોની ચર્ચા થશે.

                આ સેમીનારમાં ભારત સરકારના કૃષિ રાજ્યમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, ગૃહરાજ્યમંત્રીશ્રી હરિભાઇ ચૌધરી, ગુજરાત રાજ્યના પશુપાલન અને કૃષિ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, ગૌસંવર્ધન મંત્રીશ્રી તારાચંદભાઇ છેડા, જીલ્લાપંચાયત પ્રમુખ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

                આ સેમીનારને સફળ બનાવવા માટે બોર્ડના અધ્યક્ષશ્રી ડો. વલ્લભભાઇ કથીરિયા, ઉપાધ્યક્ષશ્રી ચૈતન્ય મહારાજ, આચાર્ય ઘનશ્યામજી, શ્રી સત્યજીત ખાચર, શ્રી ગોપાલ સુતરીયા, ડો. કિશોર પટેલ, શ્રી કે. પી. શાસ્ત્રી સ્વામી, શ્રી બી. કે. આહિર, શ્રી જયંતિભાઇ દોશી, ડો. જે.વી. નાડોધા, ડો. એલ. આર. વોરા, શ્રી મનોજ શુક્લ, ડો. બી. કે. પટેલ, ડો. દિનેશ બ્રહ્મભટ્ટ, શ્રી વિનુભાઇ કંટારીયા વગેરે મહાનુભાવો સહિત અધિકારીઓની ટીમ સક્રીય રીતે કાર્યરત છે.


                આ સેમીનારમાં ગૌસેવામાં રસ ધરાવતા અને સ્વનિર્ભર બનવા માગતા સૌ કોઇને ઉપસ્થિત રહેવા અનુરોધ છે. વિશેષ માહિતિ માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની વેબ સાઇટ અને ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૩૨૭/૨૮/૨૯ પર સંપર્ક કરી નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

No comments:

Post a Comment